માથા વિનાનું નગર
મધરાતે
શહેર એક વિરાટ જંતુ જેવું લાગે —
હજાર આંખો — બારીઓ,
લાખ પગ — સડકો,
ને માથું?
માથું ક્યાંય નથી.
ફ્લાયઓવર પર
દોડે છે એની નસોમાં
પીળું લોહી —
ટૅક્સીઓ.
ફૂટપાથ પર
એના નખ નીચે
દબાયેલા સૂતા છે
થોડા માણસો.
સવારે
અખબાર લખશે:
‘શહેરનો વિકાસ દર વધ્યો.’
ને કોઈ નહીં પૂછે —
વધ્યું શું?
ધડ, કે માથું?
– પરાગ રતનપરા