માટીનું ખોરડું
માટીનું ખોરડું, મારા ભાઈ, માટીનું ખોરડું,
કોણે રે ઘડ્યું ને કોણે ઓઢાડ્યું ઓઢણું રૂડું?
નવ નવ બારી, બે બે દીવા, એક જ મોભ મજાનો,
વણ થાંભલે ઊભું રહેતું, એનો ઘડનાર છાનો;
ભીતર બેઠો હંસલો બોલે, બોલે વેણ રૂડું…
માટીનું ખોરડું…
ચૂનો નહીં, નહીં ઈંટ-પથ્થર, નહીં કડિયાનો કૂચડો,
શ્વાસની સાંકળ, લોહીનો ગારો, હાડનો ઝીણો મૂચડો;
વરસે વરસે નળિયાં ખરતાં, તોય ન લાગે ભૂંડું…
માટીનું ખોરડું…
પરાગ કહે: એક દિ’ હંસલો ઊડશે આભની પાર,
ખોરડું પાછું માટી થાશે, માટી સરજનહાર;
ઘડનારાને ઓળખી લેજો, ખોરડું તો છે કૂડું…
માટીનું ખોરડું…
– પરાગ રતનપરા