માટીનો માણસ
માણસ તો ભાઈ માટીનો, ને માટીમાં મળવાનો,
તોયે કેમ એ આખો જનમ ગજવાં ભરે સોનાનો…
ઘર બાંધ્યું ત્યાં કોટ ચણ્યો, ને કોટ ઉપર કાચ,
પડોશીના ચૂલાની પણ ના પૂછી એણે આંચ;
ભીંતો ઊંચી, ઓરડા મોટા, ખૂણો નહીં હસવાનો…
માણસ તો ભાઈ…
બાળપણમાં રમકડે રાજી, જોબનમાં રાજી રૂપે,
ઘડપણ આવ્યું ત્યારે બેઠો દવાની શીશી ચૂપે;
આખો જનમ તૈયારી કરી, પણ સમય ન મળ્યો જીવવાનો…
માણસ તો ભાઈ…
પરાગ કહે: આ માટી મીઠી, માણસ મીઠો થાય,
જે દિ’ એ બીજાના દુઃખમાં આંખ ભરીને ગાય;
માનવ થાવું સહેલું ક્યાં? એ ભવ લાગે ભણવાનો…
માણસ તો ભાઈ…
– પરાગ રતનપરા