મારું હતું
આભ જેવું આંગણું, એ આંગણું મારું હતું,
રાહ જોતું સાંજ પડતાં બારણું મારું હતું.
મા હલાવે, ગીત ગાયે, ઊંઘ આવે ગામને,
ઝૂલતું’તું ઘર બધું, એ પારણું મારું હતું.
પોષની રાતે ઠરેલું ગામ બેસે ગોળમાં,
વાત વાતે જે સળગતું, તાપણું મારું હતું.
કેટલી શાલો ખરીદી, પણ ન આવી હૂંફ એ,
ફાટલું માનું પુરાણું ઓઢણું મારું હતું.
આ પરાગે ગામ છોડ્યું, તોય શમણે રોજ ત્યાં
ધૂમ ચૂલાનો હજી, એ રાંધણું મારું હતું.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામ #બાળપણ #માતૃપ્રેમ #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageHome #Childhood #MothersWarmth #Longing #ParagRatanpara