← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાનું તારીખિયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાનું તારીખિયું તો આખા ઘરનું ખાતું રે,
દૂધ, ધોબી, વ્રત ને તિથિ, સઘળું એમાં ગાતું રે.

દૂધવાળો ન આવે તો તારીખ પર ચોકડી,
પૂનમ આવે તો ગોળ કૂંડાળું, અગિયારસ પર ટપકી;
મારા જનમદિવસ ઉપર તો લાલ રંગનું ફૂલ,
ને બાપુજીની દવા ઉપર ઝીણી ઝીણી ભૂલ…
બાનું તારીખિયું…

પાનાં ફાટે મહિને મહિને, બા ગણે દિ’ ગણતી,
દીકરો ક્યારે આવશે, એ તારીખે આંખો ઠરતી;
પાછળના કોરા પાને લખે શાકનો હિસાબ,
ને એક ખૂણે લખેલું રાખે: ‘ભગવાન, દેજે જવાબ’…
બાનું તારીખિયું…

પરાગ કહે: બા ગઈ તે મહિને ત્યાં જ અટક્યું પાનું,
ખીલી પર એ ઝૂલે છે, જાણે ઘરનું છેલ્લું ગાણું;
નવાં વરસ આવ્યાં ને ગયાં, તોય ન ઉતારું રે,
એ મહિનામાં હજી મારી બા જીવે છે, મારું રે…
બાનું તારીખિયું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદેશપ્રેમ સ્ક્રીનમાંઆગલો લેખ →મારું હતું