મારું ઘર
મારું ઘર
કોઈ નકશામાં નથી.
એ છે
માના હાથની દાળની સુગંધમાં,
પિતાના ચશ્માંના ઘસાયેલા કેસમાં,
બહેનની ચોટલીના રિબનમાં,
અને આંગણાના લીમડાની
એ ડાળીમાં,
જેના પર મેં
પહેલી વાર મારું નામ કોતર્યું હતું.
હવે હું
ભાડાના ઘરમાં રહું છું,
જ્યાં દીવાલ પર ખીલી મારવાની પણ
રજા લેવી પડે છે.
ઘર તો
ત્યાં જ રહી ગયું —
હું જ
ભાડૂત થઈ ગયો.
– પરાગ રતનપરા