મારો રોયો ખાધોડકો
*મારો રોયો ખાધોડકો*
વરસાદ સારો થયો. નદીમાં વહેણ ચાલુ થઈ ગયું. એટલે સવિતાબાએ નદીએ નહાવા જવાનું ચાલુ કર્યું. વહેલા ઉઠીને નહાઈ આવે અને લાલાની સેવા માટે જલ ભરી આવે. નદી ઘરથી સાવ નજીક હતી.
આજે પાછાં વળતાં આછા અંધારામાં રસ્તા પરથી એને અછોડો મળ્યો... લઈ લીધો... અને બબડ્યા... "સાચો હશે કે ખોટો ભગવાન જાણે."
સવિતાબાની ઉમર તો ઘણી હતી, પણ શરીરે સારા હતા.. પણ ઉમરની અસરથી એકલાં એકલાં બોલવાની ટેવ પડી ગઈ હતી. લાલાની સેવા પધરાવી હતી. પૂજા કરતાં કરતાં ય એ લાલા સાથે વાતો કરતા જાય.
પોતે એકલા હતા. સ્વભાવે સરળ હતા. પાડોશીઓની સલાહથી પોતાનું મકાન એક પાડોશીને જ વેંચી દીધું હતું. પણ જીવે ત્યાં સુધી રસ્તા પરના બારણાવાળો એક ઓરડો અને રસોડું, વાપરવાની બોલી રાખી હતી. આવેલ પૈસા બેંકમાં મુકી દર મહિને આવતા વ્યાજમાંથી ઘર ચલાવી લેતા.
જલની ગાગર અને મળેલ અછોડો પાણીઆરે મુકી, એ લાલાની સેવા કરવા બેઠા. કલાકેક ચાલતી સેવામાં લાલાના ભોગ માટે મિસરી મુકી અને લાલા સાથે વાતે વળગ્યા.
"લે આજ મિસરી થી ચલાવી લે ઘી નથી. મોહનથાળ શેનો કરું આ મહિને દવામાં પૈસા વાપરવા પડ્યા એટલે વહેલા ખુટી ગયા. હજી ચાર દિવસની વાર છે. પછી વ્યાજ આવશે, ત્યાં સુધી રોજ મિસરી...
રોજ સેવા પુરી થાય એટલે પાડોશના છોકરાં પ્રસાદ લેવા આવે. આજે એક નાના છોકરાએ કહ્યું "બા, મને તો મોહનથાળ ભાવે આવી મિસરી ના ભાવે." અને એ ભાવુક થઈ ગયા. વિચાર્યું "મારા લાલાએ તો છોકરાના મોંમાં વાણી નહીં મુકી હોય ને."
એ ઘરમાં આવ્યા. પાણીઆરેથી અછોડો લઈ, ખાટલે બેઠા બરાબર તપાસ્યો. "છે તો સાચો સવા દોઢ તોલા જેટલો લાગે છે. ઘણા પૈસા આવશે પછી મોહનથાળ માટે ઘી નહીં ઘટે."
ખાટલામાં આડા પડ્યા ને વિચારે ચડ્યા. "કાનુડો હતો જ તોફાની એને જરૂર કંઈક તોફાન સુઝ્યું હશે. કોકનો લઈને મને આપવા મારા આડે રસ્તા પર નાખી ગયો હશે."
પાછો બીજો વિચાર આવ્યો. "હા, એ તોફાની તો હતો. ગોપીના ઘરમાંથી માખણ ચોરી ખાતો, રસ્તે આંતરીને લુટી ખાતો પણ એ તો પ્રેમનું ચોરતો... પ્રેમનું લુટતો... ગોપીઓ જાણી જોઈને છીકાં રેઢા મેલી દેતી. જાણી જોઈને એ ગાયો ચારતો હોય એ રસ્તે જ મહી વેંચવા નિકળતી... અને લુટાતી...
"મારો લાલો અણહકના અછોડાના પૈસાનો મોહનથાળ ના ખાય."
એ તરત ઉભા થયા. લાલા પાસે જઈને બોલ્યા "તને ભાવે કે ના ભાવે હમણાં તો હું મિસરી જ ધરીશ."
એમણે બહાર આવીને પાડોશી સ્ત્રીઓને અછોડો બતાવ્યો.. તપાસ કરતાં. એ અછોડો ત્રીજી શેરીમાં રહેતા ધોબીના દિકરાની વહુનો હતો. પાડોશણોએ ધોબીને ઘરે જઈ. વિગતવાર પુછપરછ કરીને, એને આપી દીધો.
અછોડાવાળી વાત પુરી થઈ. એટલે એ ઘરમાં કામે વળગ્યા.. વાળચોળ, સાફસુફી કરી લીધી.. એટલામાં ધોબીના દિકરાની વહુ આવી અને બોલી.. "બા, મને કેટલું પેટમાં બળતું હતું. તમને મળ્યો તે સારું થયું. બીજા કોઈના હાથ પડ્યો હોત, તો પાછો ના આવત."
એ વધુમાં બોલી. "મારા સસરાએ કહ્યું છે કે બા સેવા પૂજા બહુ કરે છે, એટલે એ આપણા ઘરનું પાણી પણ નહીં લે એટલે હું બજારમાંથી સીધું લઈ આવી છું. પ્રસાદ રાંધવા ઘી, લોટ ને ખાંડ બધું કિલો કિલો છે."
સવિતાબાએ સીધું સામાન ઠેકાણે મુક્યાં ને લાલાની તરફ જોઈને બોલ્યા.. "મારો રોયો ખાધોડકો મોહનથાળનું ગોઠવી લીધું."
🙋🏻♂️
જે લોકો પુછે છે કે,
ભારતીય સંસ્કૃતિ એટલે શુ.?
તો આ છે ભારતીય સંસ્કૃતિ.
જેઓ લોકો પાસે ઘરના
મંદિરમાં બે હાથ જોડવાનો
સમય નથી, તેઓ આ વાર્તા
ચાર વાર વાંચે અને તેમાં
રહેલી એક એક ગુઢ વાતો
ને સમજે.
🙋🏻♂️💠🙋🏻♂️