મારી વિદાયે
હું જાઉં ત્યારે ઢોલ ન વાગે, ન ગાજે વિલાપ,
ઓસરીએ એક દીવો મૂકજો, ને રહેજો ચુપચાપ…
રડવું હોય તો રડી લેજો, પણ ના કરજો શોર,
બારી ઉઘાડી રાખજો, જોઈ લઉં છેલ્લી ભોર;
આંગણ ચકલી ચણવા આવે, એ જ મારો જાપ…
હું જાઉં ત્યારે…
બારમું-તેરમું રહેવા દેજો, ના જમણવારની ધૂમ,
એ પૈસે કોઈ ગરીબ છોકરો પામે ચોપડી, કલમ;
એ જ મારું શ્રાદ્ધ ગણજો, ઊતરશે સૌ તાપ…
હું જાઉં ત્યારે…
પરાગ કહે: ફૂલ ખરે ત્યારે ઝાડ કદી ન રડે,
બીજી ડાળે, બીજી ઋતુમાં, ફૂલડું પાછું ચડે;
હું યે પાછો આવીશ, ક્યાંક કોઈ ટહુકે, આપોઆપ…
હું જાઉં ત્યારે…
– પરાગ રતનપરા