મારી ગુજરાતી
મા જે બોલીમાં હાલરડું ગાતી, એ મારી ગુજરાતી,
સપનાં ભલે અંગ્રેજીમાં, રડું તો ગુજરાતી.
નરસૈંયાની ઝાલર એમાં, મીરાંનો એકતારો,
ગાંધીજીનું ચરખાગીત ને મેઘાણીનો ધીંગો ગારો;
ડાયરે ડાયરે દુહા ગાજે, ગરબે ઘૂમે રાતી…
મા જે બોલીમાં…
‘આવજો’ કહી દરવાજે ઊભાં, એ ભાષા છે મીઠી,
‘જમીને જજો’ કહેનારી જીભે મેં ઈશ્વરતા દીઠી;
દૂર દેશે પણ ‘કેમ છો?’ સાંભળું, ત્યાં ભીંજાતી છાતી…
મા જે બોલીમાં…
પરાગ કહે: જે ભાષા ભૂલે, એ મૂળ પોતાનાં ભૂલે,
પાંદડાં ગમે તેટલાં લીલાં, મૂળ વિના ના ઝૂલે;
દીકરાને કાલે શીખવજો, ‘કક્કો’ ને ‘બારાખડી’ સાથી…
મા જે બોલીમાં…
– પરાગ રતનપરા