દિવસો
દિવસો હવે
ઑફિસની ફાઇલો જેવા વીતે છે —
એક પર સહી કરી
બીજીની નીચે મૂકી દેવાના.
સોમવાર
શુક્રવાર જેવો લાગે છે,
અને રવિવાર
સોમવારની ચિંતામાં વીતે છે.
કૅલેન્ડરનાં પાનાં
ફાટતાં નથી,
ફરી જાય છે,
જાણે પવન
કોઈ નકામી ચોપડી વાંચતો હોય.
ક્યારેક
બારી પાસે બેઠેલું કબૂતર
મારી સામે જુએ છે
ત્યારે થાય છે:
આ બિચારાને પણ
ક્યાંક પહોંચવાનું હશે?
એ ઊડી જાય છે.
હું
ફાઇલ ઉઘાડું છું.
– પરાગ રતનપરા