મારે ડિજિટલ થાવું છે
મારે ડિજિટલ થાવું છે, ભાઈ, મારે ડિજિટલ થાવું,
ખાવા પહેલાં ફોટો પાડું, પછી ઠંડું ખાવું.
બાજુમાં બેઠી બા પૂછે: ‘જમ્યો કે નહીં, દીકરા?’
હું તો સ્ટેટસ મૂકું: ‘ફીલિંગ બ્લેસ્ડ વિથ મધર’, મીઠા;
બાના હાથને અડક્યો નહીં, પણ લાઇક ગણતો જાવું…
મારે ડિજિટલ થાવું…
સવારે ઊઠીને સૂરજ નહીં, હું જોઉં નોટિફિકેશન,
મિત્રો હજાર ઑનલાઇન, ને ઑફલાઇન એકલું સ્ટેશન;
પાડોશી મરી ગયો, તો ‘RIP’ ટાઇપ કરી ફાવું…
મારે ડિજિટલ થાવું…
પરાગ કહે: આ નેટ પકડતાં નેટમાં ફસાયો જીવ,
ચાર્જર શોધું રાતે-દિવસે, ભૂલ્યો ઘરનો દીવ;
બૅટરી પૂરી, માણસ અધૂરો, કોને જઈ બતાવું?
મારે ડિજિટલ થાવું…
– પરાગ રતનપરા