ચાલ જીવ
ચાલ જીવ,
હવે બસ.
ઘણાં સ્ટેશન જોયાં,
ઘણી વાર ખોટી ગાડીમાં ચડ્યો,
ઘણી વાર સાચી ગાડી
નજર સામે છૂટી ગઈ.
ટિકિટ સાચવી સાચવીને
ખિસ્સું ફાટી ગયું,
ને સામાન ઊંચકી ઊંચકીને
ખભો.
હવે એક જ થેલો છે:
બે જોડ કપડાં,
માની એક ચિઠ્ઠી,
ને દીકરીના પહેલા દાંતની
નાનકડી ડબ્બી.
સાંભળ,
પ્લેટફૉર્મ પર એનાઉન્સમેન્ટ થાય છે —
નામ તો મારું જ લાગે છે.
ચાલ જીવ,
આ વખતે
બારી પાસેની જગ્યા
કોઈ માગે,
તો આપી દેજે.
– પરાગ રતનપરા