મારા પછી
કોણ વાળે રોજ મારું આંગણું મારા પછી?
કોણ ખોલી રાખશે આ બારણું મારા પછી?
ઓટલે બેસી અમે જે ગામગપ્પાં મારતા,
કોણ બાળે સાંજનું એ તાપણું મારા પછી?
પૌત્રને ઝૂલે ઝુલાવી ગીત ગાઉં રોજ, પણ
કોણ હીંચે એ જ ઝીણું પારણું મારા પછી?
જે અગાસીએ ગણીને રાતભર તારા, હવે
કોણ પીશે ત્યાં ઝરેલું ચાંદણું મારા પછી?
આ પરાગે તો હવામાં ઓગળી જાશે, છતાં
મ્હેકશે કો’ દ્વારનું એ તોરણું મારા પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #વૃદ્ધાવસ્થા #ઘર #સ્મૃતિ #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #AfterIAmGone #Home #Legacy #ParagRatanpara