મારા પછી
મંદિરે ઝાલર સવારે વાગશે મારા પછી,
ને ગલીનાં છોકરાં પણ જાગશે મારા પછી.
ચા બને, છાપું ય આવે, ફોન પણ રણકે ઘરે,
ભાગ ઘરનો સૌ સગાંઓ માગશે મારા પછી.
બે દિવસ રડશે બધા, ને હાર ફોટા પર ચડે,
ને પછી એના ઉપર રજ લાગશે મારા પછી.
કોઈ ક્ષણ થોભે નહીં, ના કાળ પણ અટકે જરા,
દોડતું જગ તો સદા યે ભાગશે મારા પછી.
આ ગઝલને આ પરાગે જે સુગંધી વિસ્તરી,
એક ભાવક એ જ તળને તાગશે મારા પછી.
– પરાગ રતનપરા
#ગઝલ #મૃત્યુ #જગતનીરીત #ક્ષણભંગુર #વારસો #પરાગરતનપરા
#GujaratiGhazal #AfterIAmGone #Mortality #LifeGoesOn #Legacy #ParagRatanpara