માણી લે
નગારાં ગાજતાં મેળે, જરા આ ઢોલ માણી લે,
પવન ડોલે, ધરા ઝૂમે, ખડો આ મોલ માણી લે.
ભરોસો કાલનો ક્યાં છે? ઘડી છે આજની પાસે,
હજી છે માવડી, ‘બેટા’ કહે, એ બોલ માણી લે.
ઝરણનું ગીત, પંખી, પાંદડાં પર ઝાકળી મોતી,
ગલીમાં ભૂલકાંનો આ જરા કલ્લોલ માણી લે.
ગણીને શ્વાસ આપ્યા છે, વિધાતાએ લખી આપ્યું,
ફરી મળશે નહીં આ ભવ, પળો અણમોલ માણી લે.
ખરે ફૂલો, ખરે પાંદો, ખરે છે આયખું આખું,
પરાગે ડાળ પરથી, આ હવાનો ઝોલ માણી લે.
– પરાગ રતનપરા
#ગઝલ #આજ #જીવનઉત્સવ #મા #ક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveNow #CelebrateLife #Mother #PreciousMoments #ParagRatanpara