← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માનાં ઘરેણાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્નની આગલી રાતે
મા
પોતાનાં ઘરેણાં
મારા હાથમાં મૂકે છે —
બંગડી, ઝૂમખાં, હાર.

એકેય ઘરેણું
વજનમાં ભારે નથી,
છતાં ભારે છે:

આ બંગડી —
બાપુજીએ પહેલી દિવાળીએ.
આ ઝૂમખાં —
ભાઈના જન્મે.
આ હાર —
દુકાળના વરસે ગીરે મૂક્યો’તો,
ત્રણ વરસે છોડાવ્યો.

હું ઘરેણાં પહેરું છું,
ને આખી રાત
માનું આખું જીવતર
મારા ગળામાં
ઝૂલ્યા કરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફરીઆગલો લેખ →ટાંકણું