માના હાથ
માના હાથમાં
રેખાઓ ઓછી હતી,
દાઝ વધારે.
જ્યોતિષી કહેતો:
‘આમાં ભાગ્ય દેખાતું નથી.’
એને ક્યાં ખબર
કે ભાગ્ય
રોજ સવારે
એ જ હાથે
રોટલીની જેમ વણાતું,
તવી પર ફૂલતું,
ને સૌથી પહેલાં
અમારી થાળીમાં આવતું.
મા ગઈ ત્યારે
અમે એના હાથ
છાતી પર ગોઠવ્યા.
પહેલી વાર
એ હાથ
કશું કર્યા વગર
પડી રહ્યા હતા.
ત્યારે સમજાયું,
થાક શું છે.
– પરાગ રતનપરા