← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માળો રાખવો હતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એને ઝાડવું મૂળથી ઉખાડવું હતું,
મારે માળામાં બુલબુલ રાખવું હતું!

એણે માપ્યું કે કેટલું લાકડું થાશે,
કેટલા રૂપિયાનો સોદો રે થાશે;
મેં જોયું કે ડાળે બચ્ચાં ત્રણ ચાર,
ને માની ચાંચમાં દાણાનો ભાર;
એને કરવતથી હિસાબ માંડવો હતો,
મારે ટહુકાથી ગીત ગાંઠવું હતું…
એને ઝાડવું મૂળથી ઉખાડવું હતું!

એણે કહ્યું, ‘અહીં ફ્લૅટ થશે મોટા,
ઝાડ શું આપે? બસ પાંદડાં ખોટાં!’
મેં કહ્યું, ‘છાંયો, ને શ્વાસ, ને ગીત,
ને બાળપણની ઝૂલતી પ્રીત;’
એને કાગળ પર નકશો દોરવો હતો,
મારે ધરતીમાં આભ વાવવું હતું…
એને ઝાડવું મૂળથી ઉખાડવું હતું!

પરાગ કહે, ઝાડ તો પડ્યું ધબાક,
બુલબુલ ઊડી ગઈ, થઈ ગઈ ખાખ;
હવે ફ્લૅટની બારીએ કૂંડું રાખું,
એમાં એક છોડ, ને ટહુકો ઝંખું;
એને સિમેન્ટનું શહેર બાંધવું હતું,
મારે એક માળામાં ગામ સાચવવું હતું…
એને ઝાડવું મૂળથી ઉખાડવું હતું!

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશાલ ઓઢાડોઆગલો લેખ →સૂરજ અને ચકી