માળો છોડતાં
હૉસ્ટેલ જતી વખતે
દીકરીએ
પોતાનો ઓરડો સાફ કર્યો.
ટેડી-બેર
કબાટની ઉપર ગોઠવ્યું,
જૂની ઢીંગલીઓ
પેટીમાં મૂકી,
દીવાલ પરનાં ચિત્રો
ઉતાર્યાં નહીં.
જતાં જતાં
બારણે ઊભી રહીને
બોલી:
‘પપ્પા, ઓરડો એમનો એમ રાખજો.’
ટ્રેન ઊપડી.
ઘેર આવ્યો
તો ઓરડો તો
એમનો એમ હતો.
ફક્ત
આખું ઘર
એક ઓરડો મોટું થઈ ગયું હતું.
– પરાગ રતનપરા