માધવ ક્યાંય દીઠો?
જમનાના જળને પૂછું, ને પૂછું કદંબની ડાળ,
મારા માધવને દીઠો ક્યાંય? કોઈ તો આપો ભાળ.
ગોધૂલિ ટાણે ગાયો આવી, ઘંટડીઓ રણકાવી,
પણ ગોવાળો સંગ ન આવ્યો, વાંસળી ના સંભળાવી;
ધૂળ ઊડી પણ પગલું એનું ન મળ્યું કોઈ કાળ…
મારા માધવને…
મટકી ફોડી, માખણ ચોર્યું, એ દિન સપનાં લાગે,
રાસ રમ્યા’તા જે ચોકમાં, ત્યાં સૂનકાર જ જાગે;
રાધા ઊભી કુંજગલીમાં, ભીંજે આંખનો ઢાળ…
મારા માધવને…
પરાગ કહે: એ ક્યાંય ગયો નથી, ગોપી, ભૂલી જા ભ્રમ,
તારા હૈયે વાંસળી વાગે, એ જ એનો આશ્રમ;
આંખ મીંચીને જો જરા, એ તો તારો જ હૃદય-તાળ…
મારા માધવને…
– પરાગ રતનપરા