← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા મળી જાય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ તો એવું થાય,
રસ્તે ચાલતાં ચાલતાં ક્યાંક મારી મા મળી જાય!

શાક લેવા બજારે જાઉં, જોઉં ભીડમાં સાડી,
એવી જ કોરે ભાત, ને એવી જ ચાલ નિરાળી;
દોડીને જોઉં તો કોઈ બીજું, ને આંખો ભરાય…
આજ તો એવું થાય…

રસોડે કોઈ વઘાર કરે ને હિંગ જરા જો મ્હેકે,
ઓશીકે માથું મૂકું ત્યાં કોઈ હાથ જાણે ફેરવે;
‘જમ્યો કે નહીં?’ એવો કોઈ સાદ હવામાં વાય…
આજ તો એવું થાય…

પરાગ કહે: મા ક્યાંય ગઈ નહીં, વસી ગઈ મારી ભીતર,
મારી દીકરીની આંખોમાં ઝળકે એનું જ ચીતર;
દીકરી હસીને ‘બેટા’ કહે, ત્યાં મા જ ફરી હરખાય…
આજ તો એવું થાય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપહેલી કવિતાઆગલો લેખ →માળી હશે