← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા જેવી બોલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા બોલી’તી જે બોલીમાં, ઈ બોલી મારી માત,
અંગ્રેજીના મેળે જઉં તોય ના ભૂલું એની વાત.

‘બેટા’ કે’તી, ‘જમી લે’ કે’તી, ‘ધીરો રે’ કે’તી મા,
એ ત્રણ વેણે ઊભી કરી’તી આખી મારી છાયા;
પરદેશે જઈ ‘ડૂડ’ ને ‘બ્રો’ કહું, પણ મનમાં રોજ પ્રભાત —
મા બોલી’તી જે બોલીમાં…

નરસૈયાની પ્રભાતી ગાતી, ગાતી મીરાંના ગીત,
દુહા-ગીતે કંઠ ભરતી, ભરતી ગરબે પ્રીત;
ભલે કીબોર્ડે અક્ષર ગોતું, ગોતું ‘ક’ ને ‘ખ’નો સાથ…
મા બોલી’તી જે બોલીમાં…

પરાગ કહે: ભાષા નથી રે કેવળ શબ્દની ખાણ,
ઈ તો દાદીની લોરી, ઈ તો ગામ-પાદરનું ગાણ;
જીભે રાખું ત્યાં લગી જીવે મારો મલક ને મારી નાત…
મા બોલી’તી જે બોલીમાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઝંડોઆગલો લેખ →તાજ