← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મા અને પત્ની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા
મારી ભૂખ ઓળખે છે,
પત્ની
મારો મૂડ.

મા પૂછે: ‘જમ્યો?’
પત્ની પૂછે: ‘શું થયું?’

મા
મારી ભૂલો પર
ગોદડું ઓઢાડે છે;
પત્ની
એ જ ભૂલોનો
હિસાબ રાખે છે —
ને પછી
માફ પણ કરે છે.

બંને વચ્ચે
હું
દોરડા પર ચાલતો
નટ છું.

પણ એક રાત
તાવમાં
મેં ઊંઘમાં ‘મા…’ કહ્યું,
ને સવારે જોયું —
પત્ની
આખી રાત
મારે માથે પોતાં મૂકતી
જાગી હતી.

ત્યારે સમજાયું:
એક સ્ત્રી
બીજીની ગેરહાજરીમાં
એનું આખું કામ
ઉપાડી લે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખ‘ના’ કહીઆગલો લેખ →એકાંત સાથે