લોકલ ટ્રેન
પિતાજી
ત્રીસ વરસ
સાત ને બાવીસની લોકલમાં ગયા,
ને સાંજે
છ ને પાંત્રીસની લોકલમાં પાછા આવ્યા.
દરવાજે ઊભા રહીને,
એક હાથે સળિયો,
બીજા હાથે ટિફિન,
ને આંખમાં
મારી ફી.
હું નાનો હતો ત્યારે
એમના થેલામાંથી
રોજ એક ચૉકલેટ નીકળતી.
મેં ક્યારેય ન પૂછ્યું
કે એ દિવસે
એમણે બપોરે શું ખાધું હતું.
આજે
હું સાત ને બાવીસની લોકલમાં
દરવાજે ઊભો છું.
એક હાથે સળિયો,
બીજા હાથે ફોન.
ફોન પર
દીકરાનો મેસેજ છે:
‘પપ્પા, ચૉકલેટ લાવજો.’
ટ્રેન
એ જ પાટા પર દોડે છે.
બસ,
દરવાજે ઊભેલો માણસ
બદલાઈ ગયો છે.
– પરાગ રતનપરા