લોકલ
ગઈ કાલે સાંજે
સાત વાગ્યે
આ જ ડબ્બામાં
ધડાકો થયો હતો.
આજે સવારે
સાત વાગ્યે
આ જ ડબ્બામાં
એ જ ભીડ છે.
એક માણસ
એ જ હૅન્ડલ પકડીને
ઊભો છે,
જેને કાલે
કોઈનો હાથ
છોડી ગયો હતો.
કોઈ કશું બોલતું નથી.
સૌ છાપું વાંચે છે,
જેમાં
ગઈ કાલનો ડબ્બો છપાયો છે.
સ્ટેશન આવે છે,
ભીડ ઊતરે છે,
ભીડ ચડે છે.
આ શહેર
ડરતું નથી —
એને
મોડું પડવું પોસાતું નથી.
– પરાગ રતનપરા