લેસનનું ગીત
બારી બહાર વરસે મેહુલો, ને મારે લેસન કરવું,
કાગળની હોડી બોલાવે, ને મારે ગણિત ભણવું!
સરવાળામાં છાંટા ગણું, બાદબાકીમાં વાદળ,
ગુણાકારમાં દેડકા કૂદે, ભાગાકારે ખળખળ;
ટીચર કહે: ‘ધ્યાન ક્યાં છે?’ — મારે ખાબોચિયે તરવું…
બારી બહાર…
ઇતિહાસમાં રાજા લડતા, મને લાગે મેઘ ગાજે,
ભૂગોળમાં નદીઓ વહેતી, મારી ગલીમાં આજે;
નકશો મૂકી દોડું બહાર, મારે ભીંજાઈને ફરવું…
બારી બહાર…
પરાગ કહે: આ વરસાદ જ તો સૌથી મોટી શાળા,
ભીની માટી, મોર ને ટહુકા, એ જ ખરા સરવાળા;
બાળપણ જો ભીંજાય નહીં, તો શું ભણતર, શું ઘડવું?
બારી બહાર…
– પરાગ રતનપરા