← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લીમડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદાએ
ખેતરના શેઢે
લીમડો વાવ્યો હતો.

એનો છાંયો
એમણે કદી માણ્યો નહીં —
લીમડો મોટો થયો ત્યારે
દાદા
એની જ નીચે
ચિરનિદ્રામાં પોઢ્યા હતા.

આજે
એ જ લીમડા નીચે બેસી
હું દીકરાને કહું છું:
‘ચાલ, એક બી વાવીએ.’

એ પૂછે છે:
‘પપ્પા, એનો છાંયો
આપણને ક્યારે મળશે?’

હું ચૂપ.

ને લીમડો
ધીરેથી
એક પાન
મારા ખોળામાં
ખેરવે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખટાંકણુંઆગલો લેખ →ભરબપોરે