← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાવ્યો છું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધરાની ધૂળમાંથી હું જરા ભીનાશ લાવ્યો છું,
નગરના બંધ ઘરમાં હું નવું આકાશ લાવ્યો છું.

વિદેશે ભાવતાં ભોજન હતાં, પણ સ્વાદ ના આવ્યો,
ગઝલમાં હું ય માના હાથની મીઠાશ લાવ્યો છું.

ઉપાડ્યા બોજ સૌના મેં, ખભા પણ થઈ ગયા ભારે,
હવે હું ફૂલના જેવી નરી હળવાશ લાવ્યો છું.

સિમેન્ટી જંગલોમાં જ્યાં નથી એકે ય તરણું પણ,
તહીં હું ખેતરોમાંથી ખરી લીલાશ લાવ્યો છું.

‘પરાગે’ ફૂલ જેવી મ્હેક આપી છે બધાંને, પણ
હૃદયમાં હું સમંદરની ઘણી ખારાશ લાવ્યો છું.

– પરાગ રતનપરા

#ગઝલ #ભેટ #માટીનીમ્હેક #માનોસ્વાદ #હળવાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #GiftsOfTheSoil #MothersTaste #Lightness #Greenery #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખક્યાંક તોઆગલો લેખ →કાચની માછલી