← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાચની માછલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો કાચની પેટીમાં પૂરી માછલી રે,
મારો દરિયો રહ્યો ક્યાંય આઘે આઘે…

પિયર મારું ઘૂઘવતું, મોજાં સાથે રમતું,
ખારું પાણી ય લાગતું’તું મીઠું મીઠું ગમતું;
અહીં સોનેરી ઘરમાં મારાં ફીણ પણ ના જાગે…
હું તો કાચની…

રોજ સવારે દાણા નાખે, સૌ કહે: ‘કેવી રૂપાળી!’
કોઈ ન પૂછે, ‘તારા દિલમાં શાની રે આ ખાલી?’
પરપોટામાં સાદ મોકલું, ઊંચે જઈ એ ભાંગે…
હું તો કાચની…

પરાગ કહે: પરણીને આવી ગામની કોઈ દીકરી,
મહેલ જેવા ફ્લૅટમાં પણ ઝૂરે એવી ઝીણી ઝીણી;
એની આંખે દરિયો છલકે, ભીંતો પાછું માગે…
હું તો કાચની…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલાવ્યો છુંઆગલો લેખ →તું નથી ત્યારે