← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાપતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓટલા ને પીપળો, ને ગામ-ડેલી લાપતા,
રાસ રમતી, ગીત ગાતી એ સહેલી લાપતા.

આંગણે ખાબોચિયાં ને કાગળોની નાવડી,
છાપરે ટપકે ઝડી, એવી ય હેલી લાપતા.

ફોનબુકમાં નામ ઝાઝાં, ને હજારો લાઇક પણ,
દુઃખમાં ખભ્ભો ધરે એવો જ બેલી લાપતા.

કાચના ટાવર ખડા ત્યાં, નામ ‘રૉયલ’ રાખતા,
કોતરેલા ગોખવાળી એ હવેલી લાપતા.

ફૂલ કાગળનાં, સુગંધો બાટલીમાં, રે ‘પરાગ’,
વાડને વીંટી વળે, એવી ય વેલી લાપતા.

– પરાગ રતનપરા

#ગઝલ #ગામડું #ખોવાયેલુંબાળપણ #આધુનિકતા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #LostTraditions #VillageMemories #Modernity #MissingFriends #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમળશે ફરી?આગલો લેખ →પરીક્ષા પછી