મળશે ફરી?
આ ગામની માટી તણી ભીની હવા મળશે ફરી?
આ ઓસરી, આ હીંચકો, માની દુઆ મળશે ફરી?
ડૉલર ઘણા, ગાડી, બધું, મોટું ભલે ઘર પણ ભલે,
દાદી તણા ખોળા સમી પોચી ધરા મળશે ફરી?
ઓટા ઉપર ભેગા મળી, ગપ્પાં તણી મીઠી મજા,
ચોરે જમેલો ડાયરો, એવી સભા મળશે ફરી?
ઓફિસ કહે: ‘દીવા કરો, પણ ઝૂમ પર હાજર રહો’,
મા-બાપ પાસે બેસવા થોડી રજા મળશે ફરી?
ઊડી પરાગ જ દૂર જઈ પરદેશમાં વસતો થયો,
પૂછે સદા: એ ડાળ, એ ફૂલો, ઘટા મળશે ફરી?
– પરાગ રતનપરા
#ગઝલ #વતન #પરદેશ #ડાયસ્પોરા #ઝુરાપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Diaspora #Homesick #VillageMemories #RootsAndWings #ParagRatanpara