← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાકડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક જમાનો હતો
જ્યારે હું દાદર
બબ્બે પગથિયાં ઠેકીને ચડતો.

હવે
લાકડી પહેલાં ચડે છે,
પછી હું.

દીકરો કહે છે: ‘પપ્પા, લિફ્ટ લો.’
પણ લિફ્ટમાં
કોઈ પગથિયાં ગણતું નથી.

હું ગણું છું —
એક… બે… ત્રણ…
જેમ એક દિવસ
એને આંગળી પકડી
ગણતાં શીખવેલું.

ઉપર પહોંચું ત્યારે
હાંફ ચડે છે,
પણ ત્રીજા માળની બારીએ
એ જ જૂનું આકાશ —
એક દિવસ પણ
ઘરડું નથી થયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનદીઆગલો લેખ →પહેલું બેડલું