લાઇક મળે
ફિલ્ટરે ગોરા કરેલા ગાલને લાઇક મળે,
હોટલે ખાધેલ મોંઘી દાલને લાઇક મળે.
ખાટલે બીમાર બા, ને દીકરો ફોટો લિયે,
ઝૂરતી બાના બગડતા હાલને લાઇક મળે.
ખેડુ ખેતરમાં મરે, ત્યાં કોણ પૂછે, ભાઈ, પણ
મંચ પર નેતા તણી એ ચાલને લાઇક મળે.
મંચ પરથી ગીત ગાયું, કોઈ ના જાગ્યું, પછી
બસ પછી સન્માનની એ શાલને લાઇક મળે.
આ ‘પરાગે’ દિલ નિચોવી શેર લખ્યો, તો ય શું?
નાચતી એ છોકરીના તાલને લાઇક મળે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સોશિયલમીડિયા #દેખાડો #લાઇક #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SocialMedia #ChasingLikes #ShowOffCulture #ParagRatanpara