લાગણીની ખેતી
મેં હૃદયનું એક ખેતર ખેડ્યું.
જૂના રોષનાં ઢેફાં ભાંગ્યાં,
અબોલાનાં મૂળિયાં ખેંચી કાઢ્યાં.
પછી વાવ્યા બે-ચાર શબ્દો —
‘કેમ છો?’, ‘જમ્યા?’, ‘સાચવજો.’
પાણી પાયું આંખનું.
ચોમાસું ન આવ્યું.
પડોશીએ સલાહ આપી:
‘આ જમીનમાં હવે કશું ના ઊગે,
વેચી નાખ, સારા ભાવ આવે છે.’
એક સવારે
ઢેફાં વચ્ચેથી
દીકરીની નાનકડી આંગળી જેવું
એક કૂંપળ ડોકાયું.
હવે હું ખેડૂત નથી.
હું તો રોજ સવારે
એ કૂંપળ પાસે બેસીને
‘કેમ છો?’ પૂછ્યા કરતો
એક ગાંડો માણસ છું.
– પરાગ રતનપરા