લાડકડી
લાડકડી ચાલી સાસરિયે, સૂનો સૂનો ઝૂલો,
કોણ હવે ઝૂલશે ડાળે, કોણ ગૂંથશે ફૂલો?
ઉંબર પર કંકુ-પગલાં ને ભીંતે નાની છાપ,
બાપુ હસતા બારણે, પણ ભીતર ઊકળે તાપ;
ઘર ગજવતી નાની નાની યાદ રહેશે ભૂલો…
લાડકડી ચાલી…
માએ ભાથે બાંધી સુખડી, ભાઈ ઊભો મૂંગો,
સખીઓ ગાતી ગીત, પણ ગળે અટકે ડૂમો ઊંડો;
પાછું વાળી જોયું, ત્યાં તો છલક્યો ભાવ અણમૂલો…
લાડકડી ચાલી…
પરાગ કહે: દીકરી તો છે બે ઘરનો દીવો,
પિયર ને સાસર બંનેને અજવાળે, તે જીવો;
આશિષ દેજો, ખીલે એના આંગણ ફૂલે ફૂલો…
લાડકડી ચાલી…
– પરાગ રતનપરા