ક્યારે આવશે?
દ્રૌપદી પોકારતી: ઓ કૃષ્ણ, ક્યારે આવશે?
ને સભા જોતી રહી, તો કોણ ત્યારે આવશે?
લાંચિયા સૌ બાબુ, નેતા, ભેળસેળી શેઠિયા,
સૌ વિચારે, ‘ન્યાય તો પાડોશ-દ્વારે આવશે.’
નાવ ડૂબે, ને ખલાસી ફોનમાં બસ વ્યસ્ત છે,
‘આપણે શું? કો’ક તારક તો કિનારે આવશે.’
આભથી વાણી સુણી: ‘હું તો તમારામાં જ છું,
જાગશો જ્યાં, ત્યાં જ એ તમ-રૂપ ધારે આવશે.’
બાગ ઉજ્જડ થઈ ગયો, માળી ય સૂતો છે, પરાગ,
તોય પૂછે સૌ, ‘વસંતો કઈ બહારે આવશે?’
– પરાગ રતનપરા
#ગઝલ #કળિયુગ #અવતાર #ઉદાસીનતા #જાગૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #WaitingForSaviour #Apathy #WakeUp #SocialSatire #ParagRatanpara