ક્યાંથી હવે?
ખોઈ બેઠો ગામ, ને એ ઓસરી ક્યાંથી હવે?
આવતી જાતી રણકતી ઝાંઝરી ક્યાંથી હવે?
બા ગરમ ઘીમાં ઝબોળી ફૂંક દઈ ખવડાવતી,
આ પિઝાના દેશમાં એ ભાખરી ક્યાંથી હવે?
ગીત ગાતી સાંજના કૂવે ઘણી ગોરી જતી,
નળ ભરે ટાંકી હવે, એ ગાગરી ક્યાંથી હવે?
બાળપણમાં જળ ઉપર ફેંકી હતી જે તાનમાં,
એ તરંગો, એ ઉમંગો, કાંકરી ક્યાંથી હવે?
આ પરાગે ગોધણો ચારી હતી સીમે કદી,
રિંગટોનોમાં ભલા, એ બાંસરી ક્યાંથી હવે?
– પરાગ રતનપરા
#ગઝલ #ઝુરાપો #ગામ #બાળપણ #ખોવાયેલુંસુખ #પરાગરતનપરા
#GujaratiGhazal #LostVillage #Nostalgia #Childhood #SimplePleasures #ParagRatanpara