ક્યાંક
ક્યાંક વાગે ઝાલર ને ક્યાંક ઊડે ધૂળ,
ને મારું મન ક્યાંક ગયું, ખોવાયું એનું કૂળ.
ક્યાંક ગોવાળો પાછા વળે, ગાયોની ઘંટડી રણકે,
ક્યાંક ચૂલે રોટલો ફૂલે, ધુમાડો આભે અટકે;
ક્યાંક પાદરે પાળિયો ઊભો, માથે ચડ્યું છે ફૂલ —
ને મારું મન ક્યાંક…
ક્યાંક બારીએ દીવો મૂકી કોઈ જુએ છે વાટ,
ક્યાંક ખાટલે ખાંસે ડોસો, ગણતો શ્વાસનો ઘાટ;
ક્યાંક છોકરાં સંતાકૂકડી રમતાં, ભૂલીને ભૂલ —
ને મારું મન ક્યાંક…
પરાગ કહે: આ ‘ક્યાંક’ મહીં જ આખું ગામ વસે છે,
શહેરને ફ્લૅટે બેઠેલું મન સાંજ પડે ત્યાં ધસે છે;
ખોવાયું તે ત્યાં જ મળે, જ્યાં માટીનું છે મૂળ —
ને મારું મન ક્યાંક…
– પરાગ રતનપરા