ક્યાં રહી
ઉઘાડ્યું ગગન, પણ હવા ક્યાં રહી?
ગયેલા વિહગની દિશા ક્યાં રહી?
ઉઘાડ્યાં જળો, ક્યાંય મોતી નથી,
હતી છીપમાં જે, કથા ક્યાં રહી?
કપાયાં બધાં વૃક્ષ, પૂછો જરા:
હતી ગીતભીની ઘટા ક્યાં રહી?
હતા મંચ, માઇક, ઘણા હાર પણ,
પ્રજા જ્યાં સુણે, એ સભા ક્યાં રહી?
પરાગે ઉઘાડ્યું હૃદય આખરે,
બધું ત્યાં, પછી એ તૃષા ક્યાં રહી?
– પરાગ રતનપરા
#ગઝલ #શોધ #ખાલીપો #પ્રકૃતિ #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Search #Emptiness #LostNature #InnerQuest #ParagRatanpara