ક્યાં ગયું એ રૂપ?
ક્યાં ગયું એ રૂપ, અરીસા, ક્યાં ગયું એ રૂપ?
તું તો એનો એ જ ઊભો, હું જ થઈ છું ચૂપ.
ગાલે ગુલાલ, ને આંખે કાજળ, વાળમાં ચંપો ઝૂલે,
ઝાંઝર પહેરી ચાલતી ત્યારે, ગામ આખું ભૂલે;
હવે તો ચશ્માં, લાકડી, ને ઘરનો ખૂણો ચૂપ…
ક્યાં ગયું એ રૂપ…
પણ પૌત્રી જ્યારે ખોળે બેસી, મારા ગાલે અડતી,
કરચલીઓમાં આંગળી ફેરવી, ખિલખિલ હસતી પડતી;
ત્યારે થાતું: રૂપ ગયું ક્યાં? એ તો બદલ્યું સ્વરૂપ…
ક્યાં ગયું એ રૂપ…
પરાગ કહે: આ રૂપ તો ઝાકળ, સવારે ઊડી જાય,
પણ જે હૈયે હેત ભર્યું, એ ઉંમર સાથે ગાય;
અરીસો ભલે ના ઓળખે, પણ હેત ન થાય કુરૂપ…
ક્યાં ગયું એ રૂપ…
– પરાગ રતનપરા