કુંડામાં લીમડો
અહીં
મારા ઘરની પાછળ
મેં એક લીમડો વાવ્યો છે,
કુંડામાં.
શિયાળે
એને
અંદર લઈ લઉં છું,
હીટર પાસે,
જાણે
ઘરડી માને
ઠંડીથી બચાવતો હોઉં.
પાડોશી પૂછે છે:
‘આ શું છે?’
હું કહું છું:
‘ઝાડ.’
પણ મનમાં બોલું છું:
‘ગામ.’
ક્યારેક
એનું એક પાન
દાંતે ચાવું છું —
કડવું.
બરાબર એવું જ,
જેવું બા કહેતી:
‘બેટા, પરદેશ મીઠો લાગે,
પણ ઘર જ સાચું ઓસડ.’
લીમડો
કુંડામાં
વધતો નથી.
મારી જેમ જ —
મૂળ
ક્યાંક બીજે
રહી ગયાં છે.
– પરાગ રતનપરા