કોયલનાં ઈંડાં
કાગડીએ
આખી વસંત
માળામાં બેસીને
ઈંડાં સેવ્યાં.
કોઈએ કહ્યું નહીં
કે એમાં બે ઈંડાં
કોયલનાં છે.
બચ્ચાં મોટાં થયાં.
એક સવારે
ડાળ પરથી
એવો તો ટહુકો ઊઠ્યો
કે આખું ગામ
થંભી ગયું.
લોકો બોલ્યા:
‘વાહ! કોયલ!’
કાગડી
માળાને કાંઠે બેસીને
ચૂપચાપ સાંભળતી રહી —
જે ગીત
એને પોતાને કદી આવડ્યું નહીં,
એ ગીત
એણે ઉછેર્યું હતું.
દુનિયા કંઠને વખાણે છે,
માળાને કોઈ યાદ નથી કરતું.
– પરાગ રતનપરા