કોરો કાગળ
આ કોરો કાગળ
એક દિવસ
જંગલમાં ઊભેલું ઝાડ હતો.
એની ડાળે
પોપટ બેસતા,
એની છાયામાં
ગોવાળ બપોરે ઊંઘતો,
એનાં પાંદડાં પર
વરસાદ પોતાના અક્ષર લખતો.
આજે
એ મારા ટેબલ પર પડ્યો છે,
ધોળો, ચૂપ,
રાહ જોતો કે
હું એના પર શું લખું.
હું ડરું છું —
જો હું જૂઠું લખીશ,
તો એક ઝાડ
વ્યર્થ કપાયું ગણાશે.
એટલે
ઘણી વાર
હું કશું લખતો નથી,
બસ,
કાગળ પર હાથ ફેરવું છું,
જેમ કોઈ
ઘરડા ઝાડના થડ પર ફેરવે.
– પરાગ રતનપરા