કોરી સાડીએ રંગ
કોરી રે સાડીએ કોઈ રંગ છાંટી જાય રે,
ફાગણનો વાયરો મારું નામ પૂછી જાય રે.
ગામ આખું રંગે ઘૂમે, ઢોલ ધમધમ વાગે,
ગોખે બેઠી ધોળી આંખે, મનડું તોય ન જાગે;
સેંથો સૂનો, હાથ સૂના, ઓઢણ ધોળી ધોળી,
વરસોથી મેં રંગોથી સંતાડી રાખી હોળી…
કોરી રે સાડીએ…
છોકરાંએ પિચકારી તાકી, ભૂલથી હું ભીંજાણી,
સાસુ ચોંકી, ગામ ચોંક્યું, હું ય ગઈ શરમાણી;
પણ ભીતરથી કોઈ બોલ્યું: ‘રંગને ક્યાં કોઈ નાતો?
રંગ તો ઈશ્વરનો, એને વિધવા કોણ કહી જાતો?’
કોરી રે સાડીએ…
પરાગ કહે: આ કેસૂડાને કોણે પૂછી ખીલવું?
વસંતને કોઈ નિયમ નડે ના, એને તો બસ મ્હોરવું;
ગુલાલ લઈને આવો બેની, ગાલે હેત લગાડું,
આજ ફરી હું જીવતી થઈને ફાગણ મારો ગાઉં…
કોરી રે સાડીએ…
– પરાગ રતનપરા