કૂંડામાં વડલો
મને કૂંડામાં કેમ રે રોપ્યો? હું તો વડલો હતો,
ગામને પાદર છાંયો દેતો, આભને અડતો હતો.
મારાં મૂળિયાં ધરતી ખોદે, પાતાળે જઈ પીતાં,
વડવાઈઓ ઝૂલે ને ઝૂલે બાળક ગાતાં ગીતાં;
આજે કાતર મૂળ કાપે, ને હું ચૂપચાપ સહતો…
મને કૂંડામાં…
ફ્લેટની બાલ્કનીમાં ટાંગ્યો, શોભા કહી વખાણે,
‘બોન્સાઈ’ નામ દીધું, પણ મારું દુઃખ ના કોઈ જાણે;
પંખી પૂછે: ‘માળો ક્યાં બાંધું?’ હું શરમે ઝૂકતો…
મને કૂંડામાં…
પરાગ કહે: આ વડલો નથી, આ આપણું જીવતર,
મોટું થવાનું હતું, ને બની ગયા નાનાં ચિતર;
મૂળ કાપીને સુંદર થ્યા, ને છાંયો ક્યાંય ના મળતો…
મને કૂંડામાં…
– પરાગ રતનપરા