← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોને ખબર?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ છે દીવો, પવન છે, કાલની કોને ખબર?
કોણ ઠારે જ્યોત, એની ચાલની કોને ખબર?

શેરમાં નાખ્યા બધા પૈસા, ગયા, કે આવશે?
રોજ ઊછળતા, ગબડતા હાલની કોને ખબર?

દીકરીને મેં વળાવી હરખથી, ને તે પછી
કંકુ ઝગમગતું હતું, પણ ભાલની કોને ખબર?

મંચ પર ઘૂંઘરુ પહેરી નાચતી’તી એ સતત,
શ્વાસ ક્યારે છૂટશે, એ તાલની કોને ખબર?

ફૂલ ખીલ્યું, મ્હેક વેરી, ને પછી ઊડ્યો ‘પરાગ’,
બીજ થઈ ઊગીશ હું, પણ સાલની કોને ખબર?

– પરાગ રતનપરા

#ગઝલ #અનિશ્ચિતતા #નસીબ #દીકરી #સમય #પરાગરતનપરા
#GujaratiGhazal #Uncertainty #WhoKnows #FateAndTime #LifesMystery #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમૌલા, દીવો બનાવઆગલો લેખ →ખાલી ખુરશી