કોને કહું?
એકલો ઊભો રહીને વેદના કોને કહું?
આંખમાં ઊભી થયેલી યાતના કોને કહું?
મંદિરે ઘંટો વગાડ્યા, મસ્જિદે સિજદા થયા,
રોજ ભીતર ઊગતી આ ઝંખના કોને કહું?
શબ્દમાં મૂકી, ગઝલ થઈ, ‘વાહ’ બોલી સૌ ગયા,
કાગળે સૂકાઈ ગઈ એ ભાવના કોને કહું?
દીકરીને મેં વળાવી, હાસ્ય રાખી ગામમાં,
ભીડમાં એકાંત ઓઢી સાંત્વના કોને કહું?
ડાળને કીધા વિના ઊડી ગયો ખુશ્બૂ પરાગ,
મ્હેકવાની આ અધૂરી કામના કોને કહું?
– પરાગ રતનપરા
#ગઝલ #વેદના #એકલતા #અંતરનીવાત #દીકરીનીવિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Pain #Loneliness #UnspokenFeelings #DaughtersFarewell #ParagRatanpara