← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોણ રે બોલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોણ રે બોલે મારા ખોળિયામાં, કોણ રે બોલે?
વણ રે વાજે વેણુ વાગે, વણ રે ઝાલ્યે ડોલે!

આંખ મીંચું તો આભ ઊઘડે, ઊઘડે તારા લાખ,
શ્વાસ થંભું તો સંભળાય કોઈ અણદીઠી પાંખ;
હું તો જાણું મારો સાદ, પણ સાદ નથી મારો,
ઘટ ઘટમાં એક જ દીવો, જુદો કોઈ ન ન્યારો…
કોણ રે બોલે…

મંદિર ગ્યો ને મસ્જિદ ગ્યો, ગ્યો કાશી ને કાબે,
પાછો વળ્યો તો ઊભો’તો ઈ મારા જ ઉંબરા આગે;
ગુરુએ ઝીણી ફૂંક મારી ને પડદો સરક્યો ઝીણો,
‘તું જ ઈ’ કે’તાં હસી પડ્યો મારો જીવ નવીનો…
કોણ રે બોલે…

પરાગ કહે: ફૂલ પૂછે, ‘મારી ગંધ ક્યાંથી આવે?’
પવન હસીને કે’: ‘તું પોતે જ તને સંભળાવે!’
ખોળિયું તો ખાલી ઘડૂલો, માંહી અમરત ઝોલે…
કોણ રે બોલે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખક્યાં લઈ જશો?આગલો લેખ →ફૂટપાથનું હાલરડું