કંકુ પગલી
કંકુ પગલી પાડી રે આંગણે વ્હાલી આવી,
ઘરની ભીંતે ભીંતે જાણે દિવાળી ઝળહળાવી.
દાદીમાએ થાળી વગાડી, દાદાએ ગોળ વહેંચ્યો,
પાડોશણ પૂછે: ‘શું આવ્યું?’ ‘લક્ષ્મી!’ કહી મન હરખ્યો;
પારણિયે ઝૂલે ચાંદલિયો, આંખો નાની નચાવી…
કંકુ પગલી…
નાની નાની મુઠ્ઠીમાં એણે બાપનો અંગૂઠો ઝાલ્યો,
જાણે આખા જનમનો એણે હક્કથી ભરોસો માગ્યો;
માની ગોદમાં ગુંજી ઊઠી પહેલી કિલકારી ભાવી…
કંકુ પગલી…
પરાગ કહે: જે ઘરમાં દીકરી, ત્યાં રોજ નવરાત,
ગરબે ઘૂમે ખુશીઓ, ને અજવાળું દિનરાત;
દીકરી એટલે ઈશ્વરે મોકલી ચિઠ્ઠી સજાવી…
કંકુ પગલી…
– પરાગ રતનપરા