ખુલ્લો વેદ
પોથાં મેલી બારે આવ, ભેરુ, વાંચ ખુલ્લું પાનું,
ધરતી ઉપર લખિયું ઈશ્વરે, વેદથી યે મોટું ગાણું.
કીડી ચાલે હાર બાંધીને, શીખવે સંપની રીત,
સૂરજ ઊગે રોજ સમયસર, ગાય સમયનું ગીત;
પંખી માળો ગૂંથે, જાણે ઉપનિષદનું ગાણું…
પોથાં મેલી બારે આવ…
ખેડૂત વાવે બીજ ધરામાં, શ્રદ્ધા એનો મંત્ર,
વરસાદ આવે, મોલ ઊગે, એ જ ગીતાનું તંત્ર;
પરસેવાથી લખિયું એણે, ગીતાનું એક પાનું…
પોથાં મેલી બારે આવ…
પરાગ કહે: ફૂલ ખીલે ત્યાં, વાંચો રામાયણ,
ભમરો ગુંજે ભાગવત, ને પવન કરે પારાયણ;
પોથી મેલી જોજે, ભેરુ, જગ આખું મંદિર નાનું…
પોથાં મેલી બારે આવ…
– પરાગ રતનપરા